Friday, December 10, 2010

તપેલીનું ઢોલ

શ્રવણને......

તપેલીનું ઢોલ



તપેલીનું ઢોલ બનાવી હું તો ઢમઢમ ઢોલ બજાવું

થાળી વેલણ લઇને દેખો ઘર આંગણને રોજ ગજાવું

નવાં રમકડાં રોજ મળે ના પણ હું એવું શોધી લાવું

ને મારી સાથે રમવા પપ્પામમ્મીને સમજાવું



કોઇ મળે ના રમવા ત્યારે કુકુ બિલ્લીને બોલાવું

ચકલી, કાબર, કોયલ સાથે હું ય મજાના ગીતો ગાઉં

ઘરના ખૂણે બાગ બનાવી રોજ બાગમાં ફરવા જાઉં

સોફા, ખૂરશી, ગાદીતકિયા ને હું રોજે રોજ ભણાવું



ઘરમાં પૂરી બહાર જાયને મમ્મીપપ્પા ત્યારે હું તો

ઘર આખાનો રાજા થઇને સહુની ઉપર હુકમ ચલાવું

માને ના જો કોઇ મારું અંગૂઠા ખોટા પકડાવું

અને પછીથી સહુની સાથે હું યે થોડો ઝૂકી જાઉં

કીર્તિદા બ્રહ્મભટ્ટ

૨૦/૧૧/૨૦૧૦

Tuesday, November 16, 2010

વહાલા વેદાંતને...

વહાલા વેદાંતને...




આજ દિવસ મારો છે મુજને કોઇ ન રોકે ટોકે

વહાલ સહુ વરસાવે મુજ પર આજે થોકે થોકે



મમ્મી ઘરને શણગારે છે, દાદી કરે મીઠાઇ

દાદા મુજને લઇને ચાલ્યા દર્શન કરવા ભાઇ

કેક મજાની લાવી પપ્પા બોલ્યા ખાજે હોંકે



લો આવ્યા નાનાનાની ને સાથે મામામામી

માસામાસીને લેવાને દોડી બહેની સામી

દોસ્તારોની ટોળી ઘરમાં આવી હોંશેહોંશે



કાકાકાકીએ આવીને ટોપી પહેરી માથે

કેક કાપતાં વેંત જ સૌએ ફુગ્ગા ફોડ્યાસાથે

ફોઇફુઆએ ઊંચકી મુજને બેસાડ્યો ભૈ ગોખે



જન્મદિવસના દિવસે બીજો કોઇ દિવસ ના આવે

સૌના માટે હું જ એકલો સૌ મુજને બોલાવે

હરખ તણો નહીં પાર ને હું તો હસતો બન્ને હોઠે



કીર્તિદા બ્રહ્મભટ્ટ

૧૬/૧૧/૨૦૧૦

Thursday, November 4, 2010

દિવાળી આવી છે

દિવાળી આવી છે



ઝગમગ દીવા પ્રગટાવી દો દિવાળી આવી છે,

મમ્મી મીઠાઇ મંગાવી દો દિવાળી આવી છે.

નાના નાના ફટાકડા તો નાની બહેની ફોડે,

બોમ્બ અને રૉકેટ હું જોને ફોડીશ કાકા જોડે.

મને ફટાકડા લાવી દો દિવાળી આવી છે.

મમ્મી પૂરશે રંગોળી ને ફોઇબા ગૂંથશે તોરણ,

ઝગમગ ઝગમગ દીવડા વચ્ચે ઝળહળશે ઘર આંગણ.

આજ હવે ઘર અજવાળી દો દિવાળી આવી છે.

હોય ભલે ના ચાંદલિયો આકાશે નીરખવાને

ઝગમગતા આ જગની વાતો પૂછશે કાલ બધાંને.

રંગ રાતનો બદલાવી દો દિવાળી આવી છે.

ટમટમતા તારલિયા જોશે એકબીજાની સામે

આભ આપણું જઇ બેઠું શું ખોળે ધરતીમાને!

વાત એમને સમજાવી દો દિવાળી આવી છે.

'પર્વતની ટોચે'માંથી

કીર્તિદા બ્રહ્મભટ્ટ

Friday, October 22, 2010

શરદપૂર્ણિમા

શરદપૂર્ણિમા

નિશા નિર્ઝરી નિર્મલ નભ થકી ઉજ્જ્વલ આ
અરે, રાત્રી લુપ્ત, ઝળહળ અભિભૂત ધરણી
પ્રસારી પૂંજી આભે ગગનવિહારી ઝળળતો
અને તેજે સૌમ્યા ધવલ વિભાવરી મહકતી

વહાવે આભેથી શતશત શશી શીત લહરી
શું આ શર્વરી શોભિત અક્ષત શ્વેત શશિયરે
ઊગી ઊભો કેવો મસરિક ભણી ઇન્દુ હસતો
સર ઉત્ફુલ્લિત, ઉત્પલ રજનીકર નિરખી

ઝરે આકાશેથી ચંદનધન અવનિ પર જે
ઝિલાયાં વેરાયાં રજનિકિરણ અંજલી થકી
અનુરક્તા પ્રુથ્વી અનુપમ ગ્રહી તેજ મલકે
રહી સંતૃપ્ત અમૃતમય થઇ આજ વિલસી

દિસે સ્નાતા સ્નિગ્ધા શુભ્ર શીતલ સ્ફટિક જલ શી
પ્રવાસી પૌર્ણિમા શરદ અવતરી સ્વર્લોકથી

કીર્તિદા બ્રહ્મભટ્ટ
‘ઝરણું ઝાંઝરિયું’માંથી

Sunday, September 5, 2010

શનિવારે તારે રજા છે

શનિવારે તારે રજા છે



સોમવારની ધાંધલભરી સવાર
એમાં ય બાળકોને સવારની નિશાળ.
દર સોમવારથી શનિવારની પ્રતીક્ષા આપોઆપ જ થઇ જતી
પણ બાળકોને શું!
એમને તો નવા જોશ અને તાજગી સાથે શાળાએ જવાનું ને!
આ તો મારી માન્યતા હતી પણ મારો દીકરો સોમવારની સાવારે વહાલથી તૈયાર કરતી હોઉં ત્યારે અચૂક પૂછે,
 “મમ્મી, આ શનિવારે તારે રજા છે?”

એને બીજાચોથા શનિવારની સમજણ ન પડે
પણ કોઇક શનિવારે મમ્મીને રજા હોય અને ક્યારેક નહીં એટલું જાણે
બીજાચોથા શનિવારની રજાવાળું પ્રત્યેક અઠવાડિયું એના માટે આગવું અઠવડિયું બની રહેતું.

 અને આજે!!
 આજે એ નોકરી કરે છે અને તે મુંબઇમાં
એને પણ મારી જેમ જ બીજા અને ચોથા શનિવારે રજા હોય
એટલે શુક્રવારે છૂટીને સીધો ટ્રેન પકડે.
પાછા જવા રવિવારની અડધી રાતે ઊપડતી ટ્રેન જ પસંદ કરે
વધુમાં વધુ સમય અમારી સાથે રહી શકે ને એટલા માટે.

 દર રવિવારે રાત્રે એને આવજો કહેતાં આંખો ભીની થઇ જાય
અને એનો જ પ્રશ્ન મારા હોઠે આવીને અટકી જાય
“બેટા, આ શનિવારે...........”
કીર્તિદા બ્રહ્મભટ્ટ
૫/૯/૨૦૧૦

Tuesday, August 24, 2010

રાખડી ટપાલમાં આવી



ઓ બેન તારી રાખડી ટપાલમાં આવી

બાળપણની વાત સઘળી સાથમાં લાવી

હાથ ઝાલી જેહનો જાતો હતો નિશાળમાં

જે મધુરા સ્પર્શથી પસવારતી તું વહાલમાં

એ નવાલા નેહના સંગાથમાં લાવી            ઓ બેન તારી૦



થોઇ થપ્પા ને બધાં રિસામણાં મનામણાં

હું અધિકારી બની ના રાખતો કોઇ મણા

તોય તું તો સ્મિત દેતી ગાલમાં લાવી        ઓ બેન તારી૦



રોજ નાની આંખમાં તું સ્વપ્ન કેવાં વાવતી

રોજ મારા ઘરને બેના કેટલું શણગારતી

તેની બની શોભા દીધો વિસ્તાર ફેલાવી     ઓ બેન તારી૦


                                         કીર્તિદા બ્રહ્મભટ્ટ

Sunday, May 16, 2010

મમ્મીના કાનમાં

મમ્મીના કાનમાં



મારી મમ્મીના કાનમાં હું કહીશ કહીશ કહીશ

મને ઝાડ ઉપર ચડવા તું દઇશ દઇશ દઇશ



ઇંડા રૂપાળાં ને જોવાં છે માળા

અહીં તહીં ઝૂલીને ગણવાં છે ડાળાં

આભલાને અડવા હું ટોચ ઉપર જઇશ જઇશ જઇશ

મારી મમ્મીના કાનમાં હું કહીશ કહીશ કહીશ



ડુંગર ચડું ને હું કોતર કૂદાવું

કેડી વિના મારે દૂર દૂર જાવું

સંગ ઝરણાંની ગીત હું ય ગઇશ ગઇશ ગઇશ

મારી મમ્મીના કાનમાં હું કહીશ કહીશ કહીશ



વર્ષાના વારિથી મારે ભિંજાવું

ઝરમરતાં ઝરમરિયાં ઝીલી હરખાવું

એક મોરલાનો ટૌકો હું થઇશ થઇશ થઇશ

મારી મમ્મીના કાનમાં હું કહીશ કહીશ કહીશ



રોજ રોજ ઝાકળને જઇને અડવાનો

ફૂલ તણી ફોરમ હું લઇને ફરવાનો

પેલા વાયુની જેમ હું ય વહીશ વહીશ વહીશ

મારી મમ્મીના કાનમાં હું કહીશ કહીશ કહીશ

                                                                કીર્તિદા બ્રહ્મભટ્ટ

Monday, March 8, 2010

મિત્રો

મિત્રો

મેં પ્રત્યેક માર્ગે બનાવ્યા છે મિત્રો
કદી ક્યાંક કોઇ ઠરાવ્યા છે મિત્રો

હશે કોઇ એવાં ય સ્વપ્નો સૂતાં જ્યાં
નરી કલ્પનામાં ય આવ્યાં છે મિત્રો

મને મ્હાત કરવાને પાછળ પડેલાં
બધાં પ્રેમથી મેં હરાવ્યાં છે મિત્રો

હતો ક્યાંક એવોય ભૂલો પડેલો
મને સાથ દેવાને આવ્યાં છે મિત્રો

તમારી પ્રતીક્ષામાં જાગી રહ્યો છું
ને વાતો તમારી જ લાવ્યાં છે મિત્રો

વહી જાય છોને વખત આપમેળે
અમે તો નિરાંતે નિભાવ્યાં છે મિત્રો

મને છે સતત સીધું ગણવાની આદત
ને તેથી કદી ના ગુમાવ્યા છે મિત્રો

                                   કીર્તિદા બ્રહ્મભટ્ટ

Sunday, February 28, 2010

હોળી આવી

હોળી આવી



હોળી આવી, હોળી આવી

કહો છોકરાં શું શું લાવી

ખજૂર, ચણા ને મમરા સંગે

ધાણી ધોળી ધોળી લાવી

નાનીમોટી પીચકારી ને

રંગ ભરેલી ઝોળી લાવી

આવ ચેતના, આવ રે ચિંટુ

તમને બોલાવે છે પિંટુ

હાથમંહી ગુલાલ લઇને

દીપા દડબડ દોડી આવી

રોનક ને રીતુ ત્યાં આવ્યા

કેસૂડાના ફૂલ છે લાવ્યાં

સોના ને રૂપાની જોને

કાબરચિતરી જોડી આવી

રંગ્યા ચહેરા, રંગ્યા મહોરાં

કોણ હશે આ કોનાં છોરાં

બાપુજી કંઇ ચડ્યા વિચારે

ને મા અમને ખોળી લાવી


કીર્તિદા બ્રહ્મભટ્ટ
'પર્વતની ટોચે'માંથી

Friday, February 12, 2010

ફૂલોના રંગો

ફૂલોના રંગો




મમ્મી, ફૂલોના રંગો તું મારા તે હાથમાં લાવી દે

મમ્મી, ફૂલોના રંગોથી ઘર આખું ચિતરાવી દે

પતંગિયા અહીં ફરફર કરશે, ભમરા ગણગણ ગાશે

રોજ સવારે દેખ પછીથી ઝાકળ ઝગમગ થાશે

પંખીડાં વળી ઊડઊડ કરતાં ફુવારામાં નહાશે

વન ઉપવનની સોડમ લાવી ઘર આખું મહેકાવી દે

મમ્મી, ફૂલોના રંગો તું મારા તે હાથમાં લાવી દે



સૂરજને કહેજે કે રાતે આવે મારી વહારે

ને ચંદલિયાને કહેજે કે આભમાં આવે સવારે

ઝળહળતા તારલિયા કેરી ફોજ લઇને પધારે

મમ્મી, આકાશી અજવાળાં આંખોમાં ચમકાવી દે

મમ્મી, ફૂલોના રંગો તું મારા તે હાથમાં લાવી દે



વરસાદ પડેને મુજને કહેતી ઘરમાં બેસી જા તું

રોજ સવારે તું જ તો કહે છે જા બેટા ના’વા તું

છબછબિયાં ઘરમાં કરશું ને વાદળ જળમાં ના’શું

છતમાં નાની અમથી મમ્મી, બારી એક મૂકાવી દે

મમ્મી, ફૂલોના રંગો તું મારા તે હાથમાં લાવી દે



કીર્તિદા બ્રહ્મભટ્ટ

પર્વતની ટોચે

પર્વતની ટોચે



પર્વતની ટોચે જઈએ, ઝરણાંનો લ્હાવો લઇએ,

કલરવતા ગીત ગાતા વાયુની સંગે વહીએ,

આકાશને ચૂમીને વાત વાદળને કહીએ,

ઝીલવાને જળની ધારા ધરતીના બાળ થઇએ.

ઊગી અને ઊભો છે આકાશમાં જે સૂરજ

એ સૂર્ય કેરા સોના રૂપાના તેજે નહીએ.

ખીલી રહ્યાં કુસુમ છે, ઝૂમી રહ્યાં છે ઝાકળ,

મઘમઘ થતી ઉષાના કંઇ ગીત આજ ગઇએ.

ને રાત મહેકવાની છે થઇને રાતરાણી,

અંધકારમાં ય કેવી થાતી હશે ઉજાણી!

તમરા ને આગિયાના ત્યાં રાજ જાગશે ને

તારા ચૂંટીચંટીને ખિસ્સાં ભરી જ લઇએ.

પર્વતની ટોચે જઈએ, ઝરણાંનો લ્હવો લઇએ,

કલરવતા ગીત ગાતા વાયુની સંગે વહીએ.



કીર્તિદા બ્રહ્મભટ્ટ

ઝરણું ઝાંઝરિયું

ઝરણું ઝાંઝરિયું

ઝરણાને ઝાંઝર પહેરાવ્યું

ઝણઝણ કરતું જાય,

ઝરણું ઝાંઝરિયું.

આકાશી હૈયે જે બાંધ્યું

અમરત ત્યાં વેરાય

ઝરણું ઝાંઝરિયું.

વાદળની વાતોથી ભરિયું;

આભતણી આંખેથી સરિયું;

પથ્થર,ભેખડ, પહાડ કૂદાવી

કલકલ મીઠું ગાય

ઝરણું ઝાંઝરિયું.

બુંદ બુંદને જોડી દડિયું,

ઘર, વાદળ ને છોડી ફળિયું,

ખળખળતું ધમધમતું ધરણી

અંકે કરવા ધાય

ઝરણું ઝાંઝરિયું

ફીણનાં ફોરે ફરફર ફોરાં

મારગ એના રહે ન કોરા,

પથરાયાં જ્યાં પ્રેમ પટોળાં

ઝિલણિયું હરખાય

ઝરણું ઝાંઝરિયું

નેહ નિતરતું, ઝીણું ઝરતું;

નટખટ નાનું નર્તન કરતું;

સરસરતી સરિતા થઇ સરતું

સમદરિયે સંતાય

ઝરણું ઝાંઝરિયું


કીર્તિદા બ્રહ્મભટ્ટ