Thursday, March 8, 2012

કેસૂડો મહોર્યો હાલ

કેસૂડો મહોર્યો હાલ
આપણ રંગ રમીએ
ફાગણ આ ફોર્યો હાલ
આપણ રંગ રમીએ
રંગ આંગણે, રંગ આભલે,
રંગ ભીતરે બાહરજી
અંગ રંગમાં ભીંજ્યા વાલમ,
રંગ તણો તું સાગરજી
રંગ નીતરતા નેણે
માર્યો માર્યો કેસરિયો માર
આપણ રંગ રમીએ
વસંત રંગી વાટલડી ને
રંગબે રંગી ઘાટલડી
રંગ ઊભર્યા ઘરઘર વાલમ
રંગ પૂર્યા આ પાધરજી
રંગરંગના સૂર વેરતા
ઢોલીડાના તાલ
આપણ રંગ રમીએ
જળને લાગ્યો રંગ
રંગપે જળની ચાદરજી
રંગ તાહરો રંગ માહરો
રંગ આપણો આખરજી
રંગરંગની ફૂટતી કૂંપળ
રંગોનો ફૂલ્યો ફાલ
આપણ રંગ રમીએ.
કેસૂડો મહોર્યો હાલ

આપણ રંગ રમીએ
           કીર્તિદા બ્રહ્મભટ્ટ
           ‘ઝરણું ઝાંઝરિયું’માથી

Wednesday, March 7, 2012

હોળી આવી


હોળી આવી

હોળી આવી, હોળી આવી કહો છોકરાં શું શું લાવી

ખજૂર, ચણા ને મમરા સંગે ધાણી ધોળી ધોળી લાવી

નાનીમોટી પીચકારી ને રંગ ભરેલી ઝોળી લાવી

આવ ચેતના, આવ રે ચિંટુ તમને બોલાવે છે પિંટુ

... હાથમંહી ગુલાલ લઇને દીપા દડબડ દોડી આવી

રોનક ને રીતુ ત્યાં આવ્યા કેસૂડાના ફૂલ છે લાવ્યાં

સોના ને રૂપાની જોને કાબરચિતરી જોડી આવી

રંગ્યા ચહેરા, રંગ્યા મહોરાં કોણ હશે આ કોનાં છોરાં

બાપુજી કંઇ ચડ્યા વિચારે


ને મા અમને ખોળી લાવી

કીર્તિદા બ્રહ્મભટ્ટ

'પર્વતની ટોચે'માંથી

Friday, January 13, 2012

પેચ

પેચ


આવો સોનુ, મોનુ આવો
દોર લઇ કન્ના બંધાવો
ફીરકીની દોરીને આજે
વાયુ સંગે આમ વહાવો
કોક પૂંછડિયો, કોક ઢાલ છે
એક તણો તો રંગ લાલ છે
નોખા રંગ પતંગ પૂરીને
આભ તણી દુનિયા રંગાવો
સરસર સરતા પતંગ પ્યારા
દિવસે ઊગ્યા આભે તારા
દીનુ કેરા સ્થિર ઊભેલા
પતંગ સંગે પેચ લગાવો
દોર ઉપર જ્યાં દોર પડી
ત્યાં થઇ ગઇ જોરાજોરી
આજ અગાશી આંગણ થઇ ગઇ
પરવ તણો લીધો મેં લહાવો
                         કીર્તિદા બ્રહ્મભટ્ટ
                        'પર્વતની ટોચે'માંથી

Wednesday, December 14, 2011

ચકલીબેનના બચ્ચાં

ચકલીબેનના બચ્ચાં




ચકચક કરતાં ચકલીબેનના માળામાં છે બચ્ચાં ચાર

ચકલી માળામાં જ રહે ને ચકલો રહેતો માળા બા’ર



બચ્ચાં નાનાનાનાં એને નહિ પાંખો, નહિ આંખો

ચકલી ચકલાને કહેતી બસ ધ્યાન બધાંનું રાખો



ઝાડની ટોચે કાગડો રહે છે કરે ન એ જોજો શિકાર

ને પેલી બિલ્લી આવે તો ચિં ચિં કરજો વારંવાર



ચકલો ચોકી કરતાં કહેતો ચિંતા ના કરશો લગાર

આ બચ્ચાં પણ સાંભળજોને હમણાં કરવાનાં કિલકાર



ઊડી જાશે ચારે કાલે પાંખો બે ફૂટતાં ને વાર

પછી થવાનો ખાલી માળો ને થાવાનો છે સૂનકાર



કીર્તિદા બ્રહ્મભટ્ટ

૧૪/૧૨/૨૦૧૧

Wednesday, December 7, 2011

તુલસીક્યારી

તું ફુલ્લ ગુલાબી પહોર
મારે આંગણ તુલસીક્યારી
તું વાસંતી મૉર
મારી મઘમઘ દુનિયા સારી
તું ઝરણાંની દોડ
તારી હસતી આંખ અટારી
તારી પગલી ચારેકોર
તારે કર કંકુની ઝારી
તારી દુનિયા અલ્લકમલ્લક
તારા બોલે ઝમ્મક ઝમ્મક
ખિલખિલ કરતાં પારિજાતક
ઝીલું અંક પસારી
ટમટમતી ઓ તારલડી
તુજથી જ દિશા અજવાળી
બેટી, ફુલ્લ ગુલાબી પહોર
મારે આંગણ તુલસીક્યારી
કીર્તિદા બ્રહ્મભટ્ટ
'ઝરણું ઝાંઝરિયું'માંથી


Thursday, November 24, 2011

માળાનો ટહુકો

માળાનો ટહુકો


મારા માળાનો ટહુકો લઇ જાય
સોનલ સૂરજ સોહામણો
એના ટૌકાના સૂર રહી જાય
સોનલ સૂરજ સોહામણો
ટૌકામાં ઘોળ્યા’તાં અમરત અપાર કંઇ
ટૌકામાં ઉઘડેલા સપનાનાં દ્વાર કંઇ
સપનાંને સાથ મળી જાય
સોનલ સૂરજ સોહામણો
હળવે વિંઝણલે મેં પોંખ્યા છે બારણે
દશે દિગ્પાલ પછી તેડાવ્યાં વારણે
 દેવોએ દીધી વિદાય
સોનલ સૂરજ સોહામણો
ખાલી છે ખોરડું ને ખાલી સૌ ખોળિયાં
સૂર થયાં દૂર અને આંસુડાં બોલિયાં
કે ટૌકાના ભણકારા થાય
સોનલ સૂરજ સોહામણો
કીર્તિદા બ્રહ્મભટ્ટ
૯/૧૧/૨૦૧૧

Wednesday, November 9, 2011

લાડલી

          લાડલી



મારું આંગણિયું આખું આકાશ

                ઊભી હું ઘરના રે ગોંદરે

કે ગોંદરામાં ગોતું ઉજાસ

              ઊભી હું ઘરના રે ગોંદરે

છમછમ ના પાયલ,

ના ટહુકાતા વાયરા

બારસાખ બોલે ના,

બોલે ના ઉંબરા

ને સાથિયાની રોતી રતાશ

                 ઊભી હું ઘરના રે ગોંદરે

ફરફરતો પાલવ ને

ઘમ્મરિયો ઘેર કંઇ

ફળિયું ફેરવતાં રે

ફૂદરડી ફેર લઇ

ફેર આજ આવ્યા છે ખાસ

                ઊભી હું ઘરના રે ગોંદરે

ઝહળતી જ્યોત સમી

ટમકંતી તારલી

પાથરી પ્રકાશ અહીં

હાલી છે લાડલી

અંતરમાં આંજી અજવાસ

                  ઊભી હું ઘરના રે ગોંદરે



કીર્તિદા બ્રહ્મભટ્ટ

૯/૧૧/૨૦૧૧