Friday, February 12, 2010

પર્વતની ટોચે

પર્વતની ટોચે



પર્વતની ટોચે જઈએ, ઝરણાંનો લ્હાવો લઇએ,

કલરવતા ગીત ગાતા વાયુની સંગે વહીએ,

આકાશને ચૂમીને વાત વાદળને કહીએ,

ઝીલવાને જળની ધારા ધરતીના બાળ થઇએ.

ઊગી અને ઊભો છે આકાશમાં જે સૂરજ

એ સૂર્ય કેરા સોના રૂપાના તેજે નહીએ.

ખીલી રહ્યાં કુસુમ છે, ઝૂમી રહ્યાં છે ઝાકળ,

મઘમઘ થતી ઉષાના કંઇ ગીત આજ ગઇએ.

ને રાત મહેકવાની છે થઇને રાતરાણી,

અંધકારમાં ય કેવી થાતી હશે ઉજાણી!

તમરા ને આગિયાના ત્યાં રાજ જાગશે ને

તારા ચૂંટીચંટીને ખિસ્સાં ભરી જ લઇએ.

પર્વતની ટોચે જઈએ, ઝરણાંનો લ્હવો લઇએ,

કલરવતા ગીત ગાતા વાયુની સંગે વહીએ.



કીર્તિદા બ્રહ્મભટ્ટ

2 comments:

Unknown said...

સુંદર ગેય કાવ્ય છે, બાળકોને ગમી જાય તેવું સરસ મજાનું કાવ્ય છે, રમતાં રમતાં આવડી જાય, યાદ રહી જાય તેવું સરળ અને સરસ કાવ્ય છે. અભિનંદન.

Vijay Brahmbhatt said...

સરળ અને સરસ કાવ્ય છે. અભિનંદન