Wednesday, September 28, 2011

પૂજ્ય બા બાપુજીને

              પૂજ્ય બા બાપુજીને

તમે ચાલ્યાં એવાં અમ જીવન ખાલી સકલ રે
તમારાં પૂણ્યોનાં સ્મરણ સથવારે જવું હવે
અમે હેતે ઝૂલ્યાં તમ કર પરે બાળક બની
તમે દીધાં એવાં પરમ વર ક્યાંએ નહિ મળે
તમે ગ્રહ્યા'તાં જે કર હજુ એ  સ્પર્શ અનુભવે
અમારી ભૂલોની હરદમ ક્ષમા યાચવી રહી
પૂરાં જે કીધાં ના વચન સમરી અંતર દ્રવે
હજી ખમ્મા ખમ્મા ડગમગ થતાંમાં જ ગૂંજતો
તમારે હૈયેથી અમ પતનને હાથ ધરતો
તમે દીધી ધૂરા અમ કર મહીં શે ઉપડશે
મધૂરી યાદોની મધૂરપ સર્વત્ર મઘમઘે
અને કીધાં કર્મો અમ જીવનને પૂણ્ય ધરતા
જરા ચાલે હાવાં અમ ચરણ એ મારગ પરે
સમર્પી દેવાં રે જીવનભરનાં પૂણ્ય તમને
                                        કીર્તિદા બ્રહ્મભટ્ટ

Sunday, May 8, 2011

માતા

નિમીલિત ઉન્મીલિત
        નયને
નિતાંત નેહ નિર્ઝરે
       રૂક્ષ પલ્લવે,
       શુષ્ક કરદ્વયે,
       નિશાંત પ્રસવે,
પરિતૃપ્તિ ધરી અંકે
અવિરત અમી ઉઘલે;
       વિભૂષિતા માતા
આલિંગને શિશુ તણા
        અકલ ઉત્તાપ
         સહજ શમે.
નિરંતર નૈસર્ગી
          રહું
             શિશુ સદા
                   તવ શરણે.


કીર્તિદા બ્રહ્મભટ્ટ
'ઝરણું ઝાંઝરિયું'માંથી

Friday, April 22, 2011

હાલરડું

હાલરડું




નિદરરાણી આવ વીરાને કાજ તું શમણાં લાવ

શમણાં માંહે વાદળ લાવી આછેરું ભિજાવ

મેઘધનુના રંગથી વીરનું પારણિયું રંગાવ

નિદર રાણી આવ વીરાને કાજ તું શમણાં લાવ



ચાંદલિયાની શીતળ ચાંદની વીરને આણી દેજે

તારલિયાના તેજ વીરાની આંખમાં આંજી દેજે

ધરણી જોવા કાજ આકાશે અટારી મૂકાવ

નિદર રાણી આવ વીરાને કાજ તું શમણાં લાવ



સૂરજ દેવના ઘોડલે મારો વીર સવારી થાય

વાયરા કેરો વેગ લઇને ઘોડલા દોડ્યે જાય

દરિયા ઉપર ડોલવા દેજે વાદળ કેરી નાવ

નિદર રાણી આવ વીરાને કાજ તું શમણાં લાવ



મહેક મજાની હોય ફૂલોની પરીઓ કેરા દેશ

રાજવી જેવો વીર સોહે તું આપજે એવો વેશ

ઝૂલતી ઝાલર સાથ રૂપાની ઘંટડીઓ રણકાવ

નિદર રાણી આવ વીરાને કાજ તું શમણાં લાવ





કીર્તિદા બ્રહ્મભટ્ટ

૩૦/૩/૨૦૧૦

ઓળખ નવે.૨૦૧૦



Friday, December 10, 2010

તપેલીનું ઢોલ

શ્રવણને......

તપેલીનું ઢોલ



તપેલીનું ઢોલ બનાવી હું તો ઢમઢમ ઢોલ બજાવું

થાળી વેલણ લઇને દેખો ઘર આંગણને રોજ ગજાવું

નવાં રમકડાં રોજ મળે ના પણ હું એવું શોધી લાવું

ને મારી સાથે રમવા પપ્પામમ્મીને સમજાવું



કોઇ મળે ના રમવા ત્યારે કુકુ બિલ્લીને બોલાવું

ચકલી, કાબર, કોયલ સાથે હું ય મજાના ગીતો ગાઉં

ઘરના ખૂણે બાગ બનાવી રોજ બાગમાં ફરવા જાઉં

સોફા, ખૂરશી, ગાદીતકિયા ને હું રોજે રોજ ભણાવું



ઘરમાં પૂરી બહાર જાયને મમ્મીપપ્પા ત્યારે હું તો

ઘર આખાનો રાજા થઇને સહુની ઉપર હુકમ ચલાવું

માને ના જો કોઇ મારું અંગૂઠા ખોટા પકડાવું

અને પછીથી સહુની સાથે હું યે થોડો ઝૂકી જાઉં

કીર્તિદા બ્રહ્મભટ્ટ

૨૦/૧૧/૨૦૧૦

Tuesday, November 16, 2010

વહાલા વેદાંતને...

વહાલા વેદાંતને...




આજ દિવસ મારો છે મુજને કોઇ ન રોકે ટોકે

વહાલ સહુ વરસાવે મુજ પર આજે થોકે થોકે



મમ્મી ઘરને શણગારે છે, દાદી કરે મીઠાઇ

દાદા મુજને લઇને ચાલ્યા દર્શન કરવા ભાઇ

કેક મજાની લાવી પપ્પા બોલ્યા ખાજે હોંકે



લો આવ્યા નાનાનાની ને સાથે મામામામી

માસામાસીને લેવાને દોડી બહેની સામી

દોસ્તારોની ટોળી ઘરમાં આવી હોંશેહોંશે



કાકાકાકીએ આવીને ટોપી પહેરી માથે

કેક કાપતાં વેંત જ સૌએ ફુગ્ગા ફોડ્યાસાથે

ફોઇફુઆએ ઊંચકી મુજને બેસાડ્યો ભૈ ગોખે



જન્મદિવસના દિવસે બીજો કોઇ દિવસ ના આવે

સૌના માટે હું જ એકલો સૌ મુજને બોલાવે

હરખ તણો નહીં પાર ને હું તો હસતો બન્ને હોઠે



કીર્તિદા બ્રહ્મભટ્ટ

૧૬/૧૧/૨૦૧૦

Thursday, November 4, 2010

દિવાળી આવી છે

દિવાળી આવી છે



ઝગમગ દીવા પ્રગટાવી દો દિવાળી આવી છે,

મમ્મી મીઠાઇ મંગાવી દો દિવાળી આવી છે.

નાના નાના ફટાકડા તો નાની બહેની ફોડે,

બોમ્બ અને રૉકેટ હું જોને ફોડીશ કાકા જોડે.

મને ફટાકડા લાવી દો દિવાળી આવી છે.

મમ્મી પૂરશે રંગોળી ને ફોઇબા ગૂંથશે તોરણ,

ઝગમગ ઝગમગ દીવડા વચ્ચે ઝળહળશે ઘર આંગણ.

આજ હવે ઘર અજવાળી દો દિવાળી આવી છે.

હોય ભલે ના ચાંદલિયો આકાશે નીરખવાને

ઝગમગતા આ જગની વાતો પૂછશે કાલ બધાંને.

રંગ રાતનો બદલાવી દો દિવાળી આવી છે.

ટમટમતા તારલિયા જોશે એકબીજાની સામે

આભ આપણું જઇ બેઠું શું ખોળે ધરતીમાને!

વાત એમને સમજાવી દો દિવાળી આવી છે.

'પર્વતની ટોચે'માંથી

કીર્તિદા બ્રહ્મભટ્ટ

Friday, October 22, 2010

શરદપૂર્ણિમા

શરદપૂર્ણિમા

નિશા નિર્ઝરી નિર્મલ નભ થકી ઉજ્જ્વલ આ
અરે, રાત્રી લુપ્ત, ઝળહળ અભિભૂત ધરણી
પ્રસારી પૂંજી આભે ગગનવિહારી ઝળળતો
અને તેજે સૌમ્યા ધવલ વિભાવરી મહકતી

વહાવે આભેથી શતશત શશી શીત લહરી
શું આ શર્વરી શોભિત અક્ષત શ્વેત શશિયરે
ઊગી ઊભો કેવો મસરિક ભણી ઇન્દુ હસતો
સર ઉત્ફુલ્લિત, ઉત્પલ રજનીકર નિરખી

ઝરે આકાશેથી ચંદનધન અવનિ પર જે
ઝિલાયાં વેરાયાં રજનિકિરણ અંજલી થકી
અનુરક્તા પ્રુથ્વી અનુપમ ગ્રહી તેજ મલકે
રહી સંતૃપ્ત અમૃતમય થઇ આજ વિલસી

દિસે સ્નાતા સ્નિગ્ધા શુભ્ર શીતલ સ્ફટિક જલ શી
પ્રવાસી પૌર્ણિમા શરદ અવતરી સ્વર્લોકથી

કીર્તિદા બ્રહ્મભટ્ટ
‘ઝરણું ઝાંઝરિયું’માંથી