Wednesday, December 14, 2011

ચકલીબેનના બચ્ચાં

ચકલીબેનના બચ્ચાં




ચકચક કરતાં ચકલીબેનના માળામાં છે બચ્ચાં ચાર

ચકલી માળામાં જ રહે ને ચકલો રહેતો માળા બા’ર



બચ્ચાં નાનાનાનાં એને નહિ પાંખો, નહિ આંખો

ચકલી ચકલાને કહેતી બસ ધ્યાન બધાંનું રાખો



ઝાડની ટોચે કાગડો રહે છે કરે ન એ જોજો શિકાર

ને પેલી બિલ્લી આવે તો ચિં ચિં કરજો વારંવાર



ચકલો ચોકી કરતાં કહેતો ચિંતા ના કરશો લગાર

આ બચ્ચાં પણ સાંભળજોને હમણાં કરવાનાં કિલકાર



ઊડી જાશે ચારે કાલે પાંખો બે ફૂટતાં ને વાર

પછી થવાનો ખાલી માળો ને થાવાનો છે સૂનકાર



કીર્તિદા બ્રહ્મભટ્ટ

૧૪/૧૨/૨૦૧૧

Wednesday, December 7, 2011

તુલસીક્યારી

તું ફુલ્લ ગુલાબી પહોર
મારે આંગણ તુલસીક્યારી
તું વાસંતી મૉર
મારી મઘમઘ દુનિયા સારી
તું ઝરણાંની દોડ
તારી હસતી આંખ અટારી
તારી પગલી ચારેકોર
તારે કર કંકુની ઝારી
તારી દુનિયા અલ્લકમલ્લક
તારા બોલે ઝમ્મક ઝમ્મક
ખિલખિલ કરતાં પારિજાતક
ઝીલું અંક પસારી
ટમટમતી ઓ તારલડી
તુજથી જ દિશા અજવાળી
બેટી, ફુલ્લ ગુલાબી પહોર
મારે આંગણ તુલસીક્યારી
કીર્તિદા બ્રહ્મભટ્ટ
'ઝરણું ઝાંઝરિયું'માંથી


Thursday, November 24, 2011

માળાનો ટહુકો

માળાનો ટહુકો


મારા માળાનો ટહુકો લઇ જાય
સોનલ સૂરજ સોહામણો
એના ટૌકાના સૂર રહી જાય
સોનલ સૂરજ સોહામણો
ટૌકામાં ઘોળ્યા’તાં અમરત અપાર કંઇ
ટૌકામાં ઉઘડેલા સપનાનાં દ્વાર કંઇ
સપનાંને સાથ મળી જાય
સોનલ સૂરજ સોહામણો
હળવે વિંઝણલે મેં પોંખ્યા છે બારણે
દશે દિગ્પાલ પછી તેડાવ્યાં વારણે
 દેવોએ દીધી વિદાય
સોનલ સૂરજ સોહામણો
ખાલી છે ખોરડું ને ખાલી સૌ ખોળિયાં
સૂર થયાં દૂર અને આંસુડાં બોલિયાં
કે ટૌકાના ભણકારા થાય
સોનલ સૂરજ સોહામણો
કીર્તિદા બ્રહ્મભટ્ટ
૯/૧૧/૨૦૧૧

Wednesday, November 9, 2011

લાડલી

          લાડલી



મારું આંગણિયું આખું આકાશ

                ઊભી હું ઘરના રે ગોંદરે

કે ગોંદરામાં ગોતું ઉજાસ

              ઊભી હું ઘરના રે ગોંદરે

છમછમ ના પાયલ,

ના ટહુકાતા વાયરા

બારસાખ બોલે ના,

બોલે ના ઉંબરા

ને સાથિયાની રોતી રતાશ

                 ઊભી હું ઘરના રે ગોંદરે

ફરફરતો પાલવ ને

ઘમ્મરિયો ઘેર કંઇ

ફળિયું ફેરવતાં રે

ફૂદરડી ફેર લઇ

ફેર આજ આવ્યા છે ખાસ

                ઊભી હું ઘરના રે ગોંદરે

ઝહળતી જ્યોત સમી

ટમકંતી તારલી

પાથરી પ્રકાશ અહીં

હાલી છે લાડલી

અંતરમાં આંજી અજવાસ

                  ઊભી હું ઘરના રે ગોંદરે



કીર્તિદા બ્રહ્મભટ્ટ

૯/૧૧/૨૦૧૧

Wednesday, September 28, 2011

પૂજ્ય બા બાપુજીને

              પૂજ્ય બા બાપુજીને

તમે ચાલ્યાં એવાં અમ જીવન ખાલી સકલ રે
તમારાં પૂણ્યોનાં સ્મરણ સથવારે જવું હવે
અમે હેતે ઝૂલ્યાં તમ કર પરે બાળક બની
તમે દીધાં એવાં પરમ વર ક્યાંએ નહિ મળે
તમે ગ્રહ્યા'તાં જે કર હજુ એ  સ્પર્શ અનુભવે
અમારી ભૂલોની હરદમ ક્ષમા યાચવી રહી
પૂરાં જે કીધાં ના વચન સમરી અંતર દ્રવે
હજી ખમ્મા ખમ્મા ડગમગ થતાંમાં જ ગૂંજતો
તમારે હૈયેથી અમ પતનને હાથ ધરતો
તમે દીધી ધૂરા અમ કર મહીં શે ઉપડશે
મધૂરી યાદોની મધૂરપ સર્વત્ર મઘમઘે
અને કીધાં કર્મો અમ જીવનને પૂણ્ય ધરતા
જરા ચાલે હાવાં અમ ચરણ એ મારગ પરે
સમર્પી દેવાં રે જીવનભરનાં પૂણ્ય તમને
                                        કીર્તિદા બ્રહ્મભટ્ટ

Sunday, May 8, 2011

માતા

નિમીલિત ઉન્મીલિત
        નયને
નિતાંત નેહ નિર્ઝરે
       રૂક્ષ પલ્લવે,
       શુષ્ક કરદ્વયે,
       નિશાંત પ્રસવે,
પરિતૃપ્તિ ધરી અંકે
અવિરત અમી ઉઘલે;
       વિભૂષિતા માતા
આલિંગને શિશુ તણા
        અકલ ઉત્તાપ
         સહજ શમે.
નિરંતર નૈસર્ગી
          રહું
             શિશુ સદા
                   તવ શરણે.


કીર્તિદા બ્રહ્મભટ્ટ
'ઝરણું ઝાંઝરિયું'માંથી

Friday, April 22, 2011

હાલરડું

હાલરડું




નિદરરાણી આવ વીરાને કાજ તું શમણાં લાવ

શમણાં માંહે વાદળ લાવી આછેરું ભિજાવ

મેઘધનુના રંગથી વીરનું પારણિયું રંગાવ

નિદર રાણી આવ વીરાને કાજ તું શમણાં લાવ



ચાંદલિયાની શીતળ ચાંદની વીરને આણી દેજે

તારલિયાના તેજ વીરાની આંખમાં આંજી દેજે

ધરણી જોવા કાજ આકાશે અટારી મૂકાવ

નિદર રાણી આવ વીરાને કાજ તું શમણાં લાવ



સૂરજ દેવના ઘોડલે મારો વીર સવારી થાય

વાયરા કેરો વેગ લઇને ઘોડલા દોડ્યે જાય

દરિયા ઉપર ડોલવા દેજે વાદળ કેરી નાવ

નિદર રાણી આવ વીરાને કાજ તું શમણાં લાવ



મહેક મજાની હોય ફૂલોની પરીઓ કેરા દેશ

રાજવી જેવો વીર સોહે તું આપજે એવો વેશ

ઝૂલતી ઝાલર સાથ રૂપાની ઘંટડીઓ રણકાવ

નિદર રાણી આવ વીરાને કાજ તું શમણાં લાવ





કીર્તિદા બ્રહ્મભટ્ટ

૩૦/૩/૨૦૧૦

ઓળખ નવે.૨૦૧૦